મદુરાઇ મિનાક્ષી મંદિર: ભારતમાં ઉંચામાં ઉંચા શિખરો વાળું આ મંદિર છે. આ મંદિરના મુખ્ય 11 ગોપુર છે. થોડી ફી આપીને આ ગોપુર પર જઇ શકાય છે. મંદિરના વિસ્તારમાં જ બે મંદિરો છે એક મીનાક્ષી મંદિર અને બીજું સુંદરેશ્વર(શિવ) મંદિર. મીનાક્ષી મૂળે મલયધ્વજ નામના પૌરાણિક પાંડ્ય રાજાની કન્યા હતી. તે એટલી બધી સુંદર હતી કે ખૂદ શંકર ભગવાન એના પર મોહિત થઇ ગયા. એમણે ઘણી વાર તપશ્ચર્યા કરીને આખરે મીનાક્ષી સાથે લગ્ન કર્યા. તેઓ મીનાક્ષીના સુંદર વર બન્યા તેથી સુંદરેશ્વર કહેવાયા. મીનાક્ષી દેવીની ભવ્ય શ્યામ મૂર્તિ છે. મંદિરનું શિખર સોનાનું છે. જુદા જુદા મંડપો છે. શક્તિ મંડપ જેમાં લક્ષ્મીજીની આઠ મૂર્તિઓ છતને આધારે આકર્ષક રીતે લટકેલી છે. આગળ મીનાક્ષી મંડપ છે તેમાં દર વર્ષે ચૈત્ર માસમાં મીનાક્ષી દેવી અને સુંદરેશ્વરના લગ્ન દસ દિવસ સુધી ધામધુમથી થાય છે. આગળ અંધારા મંડપમાં ભગવાન વિષ્ણુની મોહીનીસ્વરુપ મૂર્તિ તથા શિવ, બ્રહ્મા, વિષ્ણુ અને અનસુયાજીની મૂર્તિઓ છે. ઉત્તર દિશાએ આવેલ ગોપુર પાસે જે થાંભલાઓ આવેલા છે તેના પર કોઇ નાની ચીજથી ટકોરા મારીએ તો તેમાંથી જુદી જુદી જાતના સ્વરનો રણકાર સંભળાય છે. અહીં સુવર્ણ પુષ્કરણી સરોવર છે જેમાં ઇંદ્ર બ્રહ્મહત્યા કરીને છૂપાઇ ગયા હતા. અહીં દ્વારની સન્મુખ ચાર સ્તંભ છે જે પથ્થરની શ્રૃંખલાઓથી જોડાયેલા છે. આ શ્રૃંખલા લોખંડની શ્રૃંખલાની જેમ જ આમતેમ ફેરવી શકાય છે. સિંહના મોઢામાં ફરતો પથ્થરનો ગોળો પણ છે.
શ્રી નીલકંઠવર્ણી અહીં પધાર્યા હતા તેથી પ્રસાદીભૂત સ્થાન છે.