Varanashi કાશી
Varanashi-કાશી
એ એક અત્યંત પ્રાચીન નગરી છે. પુરાણોમાં તો એનો ઉલ્લેખ છે જ. સ્કંદપુરાણમાં કહ્યું છે :એકવાર શંકરે બ્રહ્માજીનું મસ્તક કાપી નાખ્યું. એ મસ્તક એમની હથેળી સામે જોડાઈ ગયું. એ બદરીનારાયણ તથા કુરુક્ષેત્ર જેવાં તીર્થોમાં બાર વરસ ફરતાં રહ્યા, છતાં એ મસ્તક હાથથી છૂટું ના પડ્યું. પરંતુ કાશીની સીમમાં પ્રવેશતાંવેંત જ બ્રહ્મહત્યામાંથી એમને મુક્તિ મળી. મસ્તક છૂટું પડી ગયું. મસ્તક જે સ્થળે છૂટયું તે સ્થળ કપાળમોચન-તીર્થ કહેવાયું. ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરીને એમણે એ સ્થળવાળી કાશીને પોતાના નિત્યનિવાસ તરીકે માગી લીધી. પ્રભુની આંખના આનંદાશ્રુ જ્યાં પડ્યાં તે સ્થાન બિંદુસરોવર નામથી પ્રસિદ્ધિ પામ્યું, અને પ્રભુ પોતે બિંદુમાધવ કહેવાયા.
વરણા અને અસિ નામની બે નદીઓની વચ્ચેના પ્રદેશમાં કાશી વસેલું હોવાથી એ વારાણસી પણ કહેવાય છે. ભગવતી ભાગીરથીના તટ પર વસેલા નગરનો વિસ્તાર દિવસે દિવસે વધતો જાય છે. એમાં એટલા બધાં મંદિરો છે કે એને ‘મંદિરોનું નગર’ કહીએ તોપણ કોઈ જાતની અતિશયોક્તિ નથી થતી. કાશીમાં મઠો, સદાવ્રતો ને ધર્મશાળાઓ પણ સારા પ્રમાણમાં છે. સ્નાન કરવા માટે મણિકર્ણિકાઘાટ અને દશાશ્વમેઘઘાટ પ્રખ્યાત છે. ત્યાંથી નજીકમાં ભગવાન વિશ્વનાથનું મંદિર તથા અન્નપૂર્ણાનું મંદિર આવેલાં છે.
વિશ્વનાથ મંદિર : ભગવાન વિશ્વનાથનું મંદિર નાનું, સાંકડું ને જરાક ગંદુ હોવા છતાં કાશીનું મુખ્ય મંદિર છે. એની બાજુમાં જ મસ્જિદ છે. ભગવાન શંકરના દર્શન માટે યાત્રીઓ સારા પ્રમાણમાં એકઠા થાય છે. ભીડ અને એનાં અનિષ્ટોથી બચવું ભારે થઈ પડે છે. મંદિર પરનો સોનાનો કળશ પંજાબના વીર રાજા રણજીતસિંહે અર્પણ કર્યો છે. એ રાજા વીર હોવાની સાથેસાથે ધર્મપરાયણ હતો. એ સાંપ્રદાયિક સંકુચિતતાથી મુક્ત હતો એની પ્રતીતિ કરાવવા દેવમંદિરોને શણગારવાનાં આવાં કેટલાંય કામો એણે કરી બતાવ્યાં છે. સામે સભામંડપ છે, જેમાં વિશાળ ઘંટ અને અનેક દેવમૂર્તિઓ છે. મંદિરના પ્રાંગણની એક બાજુ સૌભાગ્યગૌરી તથા ગણેશજીનાં, ને બીજી બાજુ શૃંગારગૌરી, અવિમુક્તેશ્વર તથા સત્યનારાયણ ભગવાનનાં મંદિર છે. વિશ્વનાથ મંદિરના વાયવ્ય ખૂણામાં લગભગ દોઢસો શિવલિંગ છે. મંદિરની બાજુમાં જ્ઞાનવાપિ નામે કૂવો છે. ઔરંગઝેબે જ્યારે મંદિર તોડવાની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે વિશ્વનાથ એમાં જતા રહ્યા. પછી એમાંથી એમને બહાર કાઢીને વર્તમાન મંદિરમાં એમની સ્થાપના કરવામાં આવી. યાત્રીઓ જ્ઞાનવાપિના જળનું આચમન કરીને સાનંદ ધન્યતા અનુભવે છે.
આ નગરી હરિશચંદ્રની જીવનકથા સાથે સંકળાયેલી છે. સત્યવાદી રાજા હરિશચંદ્ર પાસેથી જ્યારે ઋષિ વિશ્વામિત્રે સમસ્ત રાજ્ય દાનમાં લઈ લીધું ત્યારે રાજાએ આ જ શહેરનું શરણ લીધેલું. અહીં જ એમણે એક બ્રાહ્મણને ત્યાં પોતાની પત્નીને દાસી તરીકે વેચેલી અને ઋષિને દક્ષિણા આપવા માટે પોતે ચંડાળને ત્યાં રહેવાનું પસંદ કરેલું. મહાન સંત કબીરે પણ કાશીમાં વાસ કરેલો, જેની સ્મૃતિરૂપે ત્યાં કબીરચૌરાની જગ્યા છે. ત્યાં કબીરની ગાદી તથા ટોપી છે.
તુલસીદાસની સ્મૃતિ : રામાયણ જેવા મહાન ગ્રંથના રચયિતા સંત તુલસીદાસે તો કેટલાંય વરસો કાશીમાં વિતાવેલાં. એમની સ્મૃતિમાં ગંગાતટ પર તુલસીઘાટનું દર્શન થઈ શકે છે. એ પ્રતાપી સંતપુરુષે અહીં રહીને ભાતભાતની કાવ્યરચનાઓ કરી, અને સમાજને ચરણે ધરી. ત્યાં એમના દ્વારા સ્થપાયેલી હનુમાનજીની મૂર્તિ છે. એ મંદિરમાં એમની ચરણપાદુકા, રામાયણની પ્રતિલિપિ તથા બીજાં સ્મારકો છે. એ મંદિરમાં ભગવાન કપિલની મૂર્તિ પણ જોવા મળે છે. તુલસીદાસે એ જ સ્થાનમાં સંવત ૧૬८0માં શરીર છોડ્યું, એ હકીકત ઘાટના પથ્થર પર અંકિત છે :
"સંવત સોલહસેં અસી, અસિગંગ કે તીર,
શ્રાવણ શ્યામા તીજ શનિ, તુલસી તજ્યો શરીર."
ભગવાન વિશ્વનાથની કાશીનગરીમાં અસિ ઘાટની બાજુએ આવેલા તુલસીઘાટ પર, ત્યાંના પૂજારીએ એક સાચી બનેલી કથા કહી બતાવી. એ કથાને સંત તુલસીદાસના જીવન સાથે સંબંધ છે. સંત તુલસીદાસ જ્યારે તુલસીઘાટ પર નિવાસ કરતા, એ વખતે કાશીમાં રાજા ટોડરમલ રહેતા અને સંત તુલસીદાસ પ્રત્યેના પ્રેમાદરથી પ્રેરાઈને એમના સત્સંગ માટે અવારનવાર આવ્યા કરતા. બંને વચ્ચે જ્ઞાનસંબંધી રસભરી ચર્ચા થતી.
તુલસીઘાટથી થોડેક દૂર લીલોતરી જેવું દેખાય છે, ત્યાં રાજા ટોડરમલની પુષ્કળ જમીન હતી. એ જમીનમાં, કોણ જાણે કેમ પણ, કશું નોંધપાત્ર પાકતું નહિ. આથી ટોડરમલને ચિંતા થતી. એક વરસ તો એમાં કશું જ ના પાક્યું. ટોડરમલને થયું કે ભગવાનના પ્યારા ભક્ત કે સંતપુરુષના આશીર્વાદ ઊતરે તો જમીનમાં પલટો આવે ને કાંઈક પાકે. ટોડરમલે સંત તુલસીદાસને પોતાના અંતરની વ્યથા વર્ણવી બતાવી અને આશીર્વાદ આપવાની પ્રાર્થના કરી.
તુલસીદાસે કહ્યું : ‘મારામાં કશો ચમત્કાર કરવાની શક્તિ તો નથી, પરંતુ એ જમીનમાં ભગવાનનું નામ લઈને રાઈ વાવો. ભગવાન બધું સારું કરશે.’
ટોડરમલને એમના વચનમાં વિશ્વાસ હતો. એમણે જમીનમાં રાઈ વાવી. પરિણામે, રાઈ એટલા બધા મોટા પ્રમાણમાં પાકી કે વાત નહિ. રાજા ટોડરમલને એ રાઈ વેચવાથી હજારો રૂપિયાની પ્રાપ્તિ થઈ. એ રૂપિયા લઈને તેઓ તુલસીદાસજીની સેવામાં હાજર થયા ને બોલ્યા : ‘આ ધન તમારા કહેવાથી કમાયો છું એટલે મારું નથી, પણ તમારું છે. તમારા આશીર્વાદના પરિણામે જ જે પ્રાપ્ત થયું છે તેનો તમે સ્વીકાર કરશો.’
તુલસીદાસે કહ્યું : ‘હું ધનની સાથે સંબંધ નથી રાખતો. મારે આ ધન નથી જોઈતું. હું તો ભગવાન શ્રીરામના કૃપાધનથી જ સંતુષ્ટ છું.’
ટોડરમલે વારંવાર વિજ્ઞપ્તિ કરી જોઈ, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. તુલસીદાસજીએ એ ધનનો સ્વીકાર કરવાની સાફ શબ્દોમાં ના જ પડી.
હવે શું થાય ? ટોડરમલ તો એ ધન રાખવા ઈચ્છતા જ ન હતા. એમણે એ ધન તુલસીદાસજીના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. !
આખરે એમણે એક વચગાળાનો રસ્તો કાઢ્યો. એને માટે તુલસીદાસજીની સમંતિ પણ મેળવી લીધી. એ સમગ્ર ધનનો ઉપયોગ કરીને એમણે તુલસીઘાટ પર સંત તુલસીદાસ માટે પથ્થરનું મજબૂત વિશાળ મકાન બનાવી દીધું. એ મકાન તુલસીદાસજીને અર્પણ કર્યું, એટલે તુલસીદાસજી એમાં રહેવા માંડ્યા. જીવનના છેલ્લા દિવસો સંત તુલસીદાસે ત્યાં જ પસાર કર્યા. ત્યાં એમણે હનુમાનજીની પ્રતિમાની પ્રતિષ્ઠા પણ કરી.
આજે ત્યાં સંત તુલસીદાસ અને રાજા ટોડરમલ તો નથી, પરંતુ ભગવતી ભાગીરથીના પ્રશાંત તટ પર ઊભેલું એ ભવ્ય સ્મારક છે. એમાં તુલસીદાસજીનું એકાંત નિવાસસ્તાન તથા હનુમાનજીની મૂર્તિ પણ છે. એ જોઈને બધી ઈતિહાસ-કથા આપણી આંખ સામે તાજી થાય છે.
કાશીના ઘાટોમાં પાંચ ઘાટ મહત્વના મનાય છે : મણિકર્ણિકા ઘાટ, દશાશ્વમેધ ઘાટ, અસિસંગમ ઘાટ, પંચગંગા ઘાટ અને વરણાસંગમ ઘાટ. બધા મળીને ત્યાં પ0 થી ૬0 ઘાટ છે.
અહીં સ્વામિનારાયણ મંદિરમાં ઉતારાની સંપૂર્ણ વ્યવસ્થા છે.
નકશામાં કાશીના સ્થળો જોવા માટે અહીં ક્લીક કરો
city map of Varanashi કાશી/Sarnath
|
Date: 03/04/2016
Owner: JGPatel
Size: 5 items
|